Secret

એક સિક્રેટ કહું?
હું ખરેખર તું જ છું.
અને આ કોઈ કવિતા નથી.
એક દિવસ હું તારી સામે હોઈશ
અને તું મને અડીશ,
એ રીતે,
જેમ કોઈ અરીસાને અડે,
જયારે કોઈને “ખુદ” જડે.

ઘડિયાળ

એક દિવસ ડ્રાઇવ કરતી વખતે અચાનક એવું લાગ્યું કે મારી ઘડિયાળ ઢીલી થઇ ગઈ છે. હાથ તરફ જોયું તો ખબર પડી કે ઘડિયાળ ત્યાં હતી જ નહિ. તરત જ વિચાર્યું કે ઘડિયાળ શોધવા આખા રસ્તે જોવું પડશે. અને એવું વિચારતા વિચારતા પણ હું ઉભો ન રહ્યો. અને તરત જ યાદ આવ્યું કે ઘડિયાળ તો હું પહેરતો જ નથી!
આ વિચારીને પહેલા તો હસવું આવ્યું, પછી આખી ઘટના થૉટફૂલ લાગી; મેં વિચાર્યું કે ઘરે જઈને બ્લોગમાં એક પોસ્ટ મુકીશ. કંઈક ટાઈમ ને લાગતું મૅટાફોરિકલ કનેક્શન લગાવી દઈશ. પછી થયું ચાલશે. ટાઈમ જ ક્યાં છે!

એક મૅસેજ મને જ

આમ તો તું લખ્યા કરે છે. ડ્રાફ્ટ્સ સેવ કર્યા કરે છે. તો પણ મને થયું કહી દઉં. યાદ દેવડાવી દઉં કે આ જે જગ્યા છે ને એ પોસ્ટ કરવા માટે જ છે.

કોઈ જજ કરવાનું છે નહીં આમ તો, પણ કરે તોય શું? લખીને પોસ્ટ કર. પહેલાં ભૂલો વગર નથી લખ્યું એવું તો છે નહીં!

બ્લૉગમાં આખી એક કૅટેગરી છે લવારાઓથી ભરેલી! ટાઇટલ જ એવું આપ્યું છે. યુ યુઝ્ડ ટુ લવ રાઇટિંગ રૅન્ડમ થિંગ્ઝ!

લખીશ તો ભૂલો કરીશ. ભૂલો કરીશ તો શીખીશ. શીખીશ તો વધારે સારું લખી શકીશ. અને સારું લખવા માટે જ બ્લોગ સ્ટાર્ટ કર્યો એવું તો હતું નહીં!

બસ તો. લખ.

આવી જાઓ પાછા રૅગ્યુલર પોસ્ટ્સ સાથે!

(નહીં આવે તો પણ કાંઈ જવાનું નથી. પણ સમજ ને હવે!)

ચલ ને

ચલ ને, લખ ને.
મન ને ખોલ ને.
શબ્દ એ બોલ ને.
ચલ ને, લખ ને.

ઈચ્છાઓ તારી,
સપનાઓ તારા,
તુજને સંભળાવી
તરબોળ ને.

દુનિયા રચે તું,
એમાં તું રાચે,
કલ્પનાએ તારી
તને જોડ ને.

ચલ ને, લખ ને.
મન ને ખોલ ને.
શબ્દ એ બોલ ને.
ચલ ને, લખ ને.

સુખ ને દુઃખ ને
જ્ઞાનની ભૂખ ને
હવે તું ઝટ ને,
ચલ ને, વણ ને.

રાત ને, દિન ને,
તેજ અંધેર ને,
મેળવી, ભેળવી
રોક ને, ઘેર ને.

ચલ ને, લખ ને.
મન ને ખોલ ને.
શબ્દ એ બોલ ને.
ચલ ને, લખ ને.

તું જ તો હું જ છું,
રુજ છું, રૂઝ છું,
છું નહિ, ખૂબ ને,
છું શરૂ અંત ને.

આબ ને, આભ ને,
તું ફરી, ભાળ ને.
સુસ્તી ની જાળ ને
ખંત થી ટાળ ને!

ચલ ને, લખ ને.
મન ને ખોલ ને.
શબ્દ એ બોલ ને.
ચલ ને, લખ ને.

પ્રેમ ને જાણ ને,
પડ ને, સંભાળ ને,
ભૂલેલું સંભારી,
ઘટ ને, વધ ને.

બન ને, ભાંગ ને,
ખુદથીએ ભાગને,
જા મળી ત્યાગ ને,
ખુદ ને જાણ ને.

ચલ ને, લખ ને.
મન ને ખોલ ને.
શબ્દ એ બોલ ને.
ચલ ને, લખ ને.

– વિરાજ

સમસ્ત

મુજનો ઉગતો સુરજ રોજ જ તુજમાં થાતો અસ્ત છે,
મારુ હોવું સકળ ફક્ત જો મુજ-તુજ-તુજ-મુજ પરસ્ત છે.

હુંય ક્યાં ‘તું’ થાવાના સપના લઈને બેસું છું!
તુંય તો ‘તે’ થાવાના વિચારોમાં જ વ્યસ્ત છે.

બસ તારી ખુશીઓ તાકીને જાહોજલાલી માણું છું,
મારી બધી વ્યથાઓ પણ સરવાળે તો મસ્ત છે.

ખુદને ખંખેરી-ખંખોળી ખોળવાની બસ વાર છે,
બાકી બસ આ સમય-શબ્દની માયા એ જ સમસ્ત છે.

~ વિરાજ રાઓલ

શબ્દ છે?

એક ફીલિંગ છે, જેના માટે શબ્દ નથી મળી રહ્યો.
કોઈક જાણીતું લાગતું અજાણ્યું માણસ હાથમાં એક બહુ જ નોર્મલ લાગતો ડબ્બો પકડાવી જાય અને ગાયબ થઇ જાય.
એ ડબ્બામાંથી દૂર ક્યાંક સમયમાં જ ખોવાઈ ગયી હોય એવી સોડમ આવતી હોય.
ડબ્બો ખોલવાનો પ્રયત્ન કરતાં ખ્યાલ આવે કે એક અલમોસ્ટ-અસંભવ ટાસ્ક હાથમાં લઇ લીધો છે.
પણ પેલી સોડમ, પેલો માણસ, અને જિજ્ઞાસા…
એ બધાંયનો સરવાળો થઈને પણ જાણે કંઈક ઘટ્યું હોય,
એવી જ ફીલિંગ.

H2O

શિખર ઉપર જામેલું એ
બરફ બની ન રહી જાતું,

ધોધ બનીને, ઝરણું થઈને,
ખારાશ માંહી વહી જાતું.

ક્યાંક આંખોની ઠંડક બનતું
તરસ્યાઓનું જળ થાતું,

કાંઠે કાંઠે નગર વસાવી
દરિયાની સૃષ્ટિ થાતું.

તપતા બળતા સુરજને પણ
ક્યાંથી ન વ્હાલું થાતું!

એક કિરણને મળતા સાથે
ઉડતું એ વાદળ થાતું.

-વિરાજ

એ તો કહો

જીતનો આ ઘોષ છે, જયકાર હો!
જીતનું છે કામ શું? એ તો કહો.

સત્યની શોધે છે બદલી આ હવા.
શોધનું છે સત્ય શું? એ તો કહો.

શું નિયત છે, શું વિધિ, ‘ને અર્થ શું?
તર્ક પણ છે વ્યર્થ શું? એ તો કહો.

શ્રાપ છે ચુપકીદી, શબ્દો પાપ છે.
હું કહું કે ના કહું? એ તો કહો.

– વિરાજ રાઓલ