પઝલ પીસીસ અને કવર સોન્ગ્સ

ઘણા ટાઈમથી લખવાનું છૂટી ગયું તો એ પણ યાદ નથી કે કેટલીક વસ્તુઓ વિષે પહેલા લખેલું હતું કે નહિ.
હમણા જ વિચારતો હતો કે પહેલા એવું ક્યારેય લખ્યું હતું કે “ઘણી વાર કેટલાક લોકો સોન્ગ્સના કવર એટલા સરસ પરફોર્મ કરે છે કે ઓરીજીનલ કરતા વધારે એ કવર સોન્ગ્સ વધારે ગમી જતા હોય છે.

એ વાત એટલા માટે યાદ આવી કેમ કે એક યુ-ટ્યુબર છે જેને છેલ્લા કેટલાક મહિનાથી ફોલો કરું છું, અને એ ઘણા સોન્ગ્સના કવર્સ અને ક્યારેક ખુદના (ઓરીજીનલ) સોન્ગ્સ પોસ્ટ કરે છે.

મને એ ચેનલ વિષે ત્યારે ખબર પડી જયારે હું “ટ્વેન્ટી (આ ટ્વે ને શું થઇ ગયું? જે થયું હોય એ, મેં twenty લખ્યું છે.) વન પાઈલટ્સ”ના “રાઈડ” સોંગના નશામાં હતો, અને તેના ઘણા બધા કવર સોન્ગ્સ સર્ચ કરતો હતો.
નીચે એ કવર સોંગ છે.

આ સોંગ સાંભળ્યું અને એરિઅલની ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કર્યું. અને હમણાં બે દિવસ પહેલા તેણે એક વિડીઓ પોસ્ટ કર્યો, જે એક કારમાં શૂટ કરેલો હતો. એ વીડિઓમાં તેણે જે સોંગનું કવર પરફોર્મ કર્યું છે તે સોંગ ન તો મેં પહેલા સાંભળ્યું હતું, ન તો મેં તે આર્ટીસ્ટ(saint motel)નું નામ સાંભળ્યું હતું!
એ કવર સોંગ નીચે ના વીડિઓમાં છે.

સોંગ સાંભળતાની સાથે જ ઓરીજીનલ સોંગ સર્ચ કર્યું અને એ સોંગ મગજમાં એવું ઘૂસ્યું કે સોંગની સાથેની ધૂનની જોડે જોડે હાથ, પગ, માથું, વિચારો બધું જ મસ્ત સિંકમાં આવીને ડાંસ કરવા લાગ્યું.

તમે પણ સાંભળીને કહો, ડાંસ કરવાનું મન થયું કે ડાંસ કરી જ લીધો? 😀

તા.ક. હમણા જ ધ્યાન ગયું કે એ બંને(કવર સોન્ગ્સના) વીડીઓઝમાં એરિઅલે સેમ ટોપ પહેર્યું છે! 😀

Advertisements

માય ટેસ્ટ ઇન મ્યુઝીક ઈઝ યોર ફેસ

Heroes always get remembered,
But you know legends never die!

હમણાં હમણાં ઘણા બધા ચેન્જીસ થયા છે. અને એ ચેન્જીસ શું છે એ કહેવાનું અવોઇડ કરીશ.
હવે જો તમે એવું વિચારતા હો કે ચેન્જીસ થયા છે, કહેવા નથી, તો મેન્શન જ કરવાની શું જરૂર?! પણ એની જરૂર એ છે કે એ ચેન્જીસના લીધે એક ફર્ક એવો પડ્યો છે કે મારો મ્યુઝીક નો ટેસ્ટ બદલાઈ ગયો છે…અથવા તો કઈક નવા ટેસ્ટ વાળું મ્યુઝીક ભાવવા લાગ્યું છે.

થયું એવું કે હમણાં થોડા ટાઈમ પહેલા યુ-ટ્યુબ પર કોઈ ટોપ-ટેન લીસ્ટ જોતો હતો – “Top 10 songs which are sad but sounds happy”, અને એમાં ઘણા બધા લોકોએ કમેન્ટ કરી હતી કે “All songs by Twenty One Pilots”. અને મને ઈચ્છા થઇ સર્ચ કરવાની. સર્ચ કર્યું અને એક પછી એક એમના સોન્ગ્સ સાંભળવાના શરુ કર્યા, અને સાંભળતો ને સાંભળતો જ ગયો.

એ સોન્ગ્સ સાંભળ્યા એમાં રેકમેન્ડેડ વિડીઓઝ માં બીજા એક બેન્ડના સોન્ગ્સ પણ આવતા હતા – “Panic! At the Disco”. એ સોન્ગ્સ પણ જોરદાર ગમી ગયા.

એ બંને બેન્ડ્સ ના સોન્ગ્સ સાંભળ્યા અને પછી ખબર પડી કે એ બંનેએ ‘સ્યુસાઈડ સ્કવોડ’ માટે પણ સોન્ગ્સ ગાયા હતા.

બસ, તો આજે એ સોન્ગ્સમાંથી જ કેટલાક બહુ જ ગમેલા સોન્ગ્સ અહી share કરું છું. તમને જો એ સોન્ગ્સમાંથી કોઈ બહુ જ ગમે અને ડિસ્કસ કરવાની ઈચ્છા થાય તો તમે કમેન્ટ્સ કરી ને જણાવો. મજા આવશે! કેમ કે એ સોન્ગ્સ ખરેખર ડિસ્કસ કરી શકાય એવા છે!

સો એન્જોય!!

અને હા, નીરવભાઈ અને યુવરાજભાઈ, થેંક યુ વેરી મચ….આઈ હોપ કે મારા અને તમારા માટે હમેશા લખતો રહું. 🙂

વિચાર્યું કે લખી જ લઉં!

ઓફીસમાં એક સુવિચાર વાંચ્યો હતો, “Success does not depend on making important decisions quickly, but depends on your quick actions on important decisions”. વાંચ્યું એટલે ગમ્યું. અને ગમ્યું એટલે તરત જ કોપી કરીને પેસ્ટ કર્યું મને રોજ દેખાય એમ મારા ડેઈલી ટાસ્ક્સના લીસ્ટની સામે. કેવો મસ્ત આઈડિયા, ને!

આ મસ્ત આઈડિયા ફેઈલ એવી રીતે ગયો કે ભાઈ ઓફીસમાં હોઈએ ત્યારે ટાસ્ક્સના લીસ્ટ માં ટાસ્ક જ દેખાય, સુવિચાર નહિ! આ રાખવાનું રીઝન એ હતું કે મને યાદ રહે કે રોજ જે ઘરે જઈને લખવાનું ડીસાઈડ કરીએ છીએ એ quickly અમલમાં મુકાય, પણ એવું કઈ થયું જ નહિ! આખો મહિનો નીકળી ગયો અને અત્યારે લખવાનું કઈક વિચાર્યું. અને એમાં પણ બસ એક ફરિયાદ જ લખાઈ, એ પણ ખુદની જ! વાંક પણ ખુદનો જ તો હતો.

હવે આજે તો કઈ નથી ખાસ બીજું લખવા જેવું…પણ વિચાર્યું હતું લખવાનું તો થયું લખી જ લઉં.

ડ્રાઈવિંગ લવારો – “આ ક્રિએટીવીટી તો લીક થાય છે!”

હમણાં પહેલી એપ્રિલથી સ્કુટર પર રોજના ૪૦ કી.મી. જેવું ડ્રાઈવ કરવાનું શરુ કરવું પડ્યું અને એ પછી છેક આજે એકદમ ધ્યાન ગયું કે બધી ક્રિએટીવીટી તો લીક થઇ જાય છે! રસ્તામાં જ્યાં જોઈએ ત્યાં મારો લવારો વિખરાયેલો પડ્યો હતો અને વિખરાતો જ જતો રહે છે રોજે ને રોજ!

વાત એમ છે કે જ્યારે પણ કોઈ નવી જગ્યાએ જાઉં એટલે થોડો ટાઈમ સેટ થતા લાગે. અને એ સેટ થાઉં ત્યાં સુધી બોલવાનું એકદમ ઓછું હોય. બસ ઓબ્ઝર્વ કરવામાં જ બધો સમય સ્પેન્ડ થાય. અને એ જ રીઝનથી મગજમાં બધું ઢગલો આવીને પડ્યું હોય. કોલેજ માં તો એવું હતું કે જે કઈ મગજમાં હોય એ બધું કાં તો કાગળમાં ઉતરે, મોબાઈલમાં ઉતરે, કે પછી સીધું બ્લોગના ડ્રાફ્ટમાં. પણ હવે કંડીશન થોડી એવી છે કે ઉપરનું કઈ પણ આખો દિવસ અવેલેબલ નથી હોતું. અને ઘરે મોડા આવીને સીધું ઊંઘી જ જવાનું થાય ખાઈ પી ને. હવે બોલો બધી ક્રિએટીવિટી જાય ક્યાં!

તો આજે વિખરાયેલી ક્રિએટીવીટી ઉડતી એવી મારા કાને આવીને અથડાયી ત્યારે ધ્યાન ગયું કે આ તો સારો સારો કન્ટેન્ટ લીક થાય છે! અને એ લીક એવી રીતે થાય છે કે ચાલુ વ્હીકલે મગજમાં આખા દિવસનું સંઘરેલું એકલા એકલા કરેલા કન્વર્ઝેશનમાં (હા ભઈ, લવારામાં) જ નીકળી જાય છે. જો કે એ દરમિયાન એ વસ્તુની પણ જાણ થઇ કે ક્યારેક ચાન્સ (અને હિંમત) મળશે તો મિમિક્રી પણ કરી શકીશ! 😀

બાય ધ વે ક્રિએટીવીટી પરથી એ યાદ આવ્યું કે આજે એક બહુ જ મસ્ત લાઈન વાંચી હતી ક્યાંક. એક બુક માંથી લીધેલી એ લાઈન હતી –

If you have ideas, but don’t act on them, you are imaginative but not creative.

~Rollo May (The Courage to Create)

હવે મારો ક્વેશ્ચન એ છે કે શું આપણે એ આઈડિયાઝ પર માનો કે એક્ટ પણ કરીએ, અને કઈક બનાવી પણ લઈએ, અને આપણી જ પાસે રાખીએ, તો એ વેલીડ ગણાય કે નહિ? (એકલા કરેલા લવારા જેવું કઇક… :P)

બસ ત્યારે, આજ માટે આટલું જ.
ટ્રાય કરીશ કે પેલા લીકેજ(લવારા) પર કંટ્રોલ રાખીને એ ક્રિએટીવીટી(લવારા)ને કોઈ બીજા માધ્યમ દ્વારા લોકો સુધી પહોંચાડી શકું!

મળીએ ત્યારે, આવજો… 🙂

‘યુ-ટ્યુબ’ લવારો ~ “શું કરવું??”

6 વર્ષ પહેલા યુ-ટ્યુબ પર એક ચેનલ બનાવી હતી અને પહેલો વિડીઓ પણ મુક્યો હતો. ઈટ વોઝ જસ્ટ અ શોર્ટ મુવી કે જે મેં પેઈન્ટમાં ડ્રો કરીને અને વિન્ડોવ્ઝ મુવી-મેકરનો યુઝ કરીને બનાવ્યું હતું, “બાબલાની ઝીંદગી” (Yes, that was the title!). વેલ, એ મુવી તો મેં ચેનલ પરથી રીમુવ પણ કરી દીધું હતું. એ પછી ૪ વર્ષ પહેલા એક ચસ્કો લાગ્યો હતો, યુ-ટ્યુબ સ્ટાર્સના ગાયેલા કવર સોન્ગ્સ સાંભળવાનો. અને એ સોન્ગ્સ સાંભળતા સાંભળતા જ મને પણ ઈચ્છા થઇ ગઈ હતી એકાદ સોંગ ગાઈને રેકોર્ડ કરવાની. બ્રુનો માર્સ નવો નવો ગમતો થ્યો હતો અને એનું જ ગયેલું એક સોંગ ગાયીને રેકોર્ડ કરીને મારી ચેનલ પર પબ્લીશ કર્યું હતું.

એ પછી ફરી પાછી એ ચેનલ ધૂળ ખાતી થઇ. એ વિડીઓ મૂક્યાના એક વર્ષ પછી મારી ફેવરીટ હેંગઆઉટ પ્લેસ એવી “(સેક્ટર)એક નો લેક” પર જઈને રોનકની સાથે વાત કરતા કરતા વિડીઓ બનાવવાની ઈચ્છા થઇ અને લેકની ઇન્ફર્મેશન આપતો જ એક વિડીઓ બનાવીને એ ચેનલ પર પોસ્ટ કર્યો હતો. અને એ વખતે વિચાર્યું હતું કે હવે તો એક રેગ્યુલર યુ-ટ્યુબર બનીને વિડીઓઝ મુકતા જ રહેવું છે. પણ એ વર્ષે પણ બીજા ૨ જ (ટોટલ ૩) વિડીઓઝ પોસ્ટ કર્યા હતા, જેમાં એક વિડીઓ “કેવી રીતે જઈશ” મુવી ની થોડી ઇન્ફર્મેશન વાળો હતો જે મેં મારા ફર્સ્ટ વી-લોગ તરીકે પોસ્ટ કર્યો હતો, અને બીજો વિડીઓ હતો એક ફેસબુક ફ્રેન્ડની મદદ લઈને બનાવેલ એક પોએટ્રી રીસાઈટલ (વિથ મ્યુઝીક) કે જે મેં અહીં પોસ્ટ કરી હતી.

બસ એ વિડીઓ એ ચેનલ પર મુકેલ છેલ્લો વિડીઓ હતો. હવે થયું એવું કે ૩ વર્ષ પછી ફરી પાછી ઈચ્છા જાગી યુ-ટ્યુબ પર એક્ટીવ થવાની. પણ હવે પેલી ચેનલ પર ફરી આંટો મારવાની જગ્યાએ વિચાર્યું કે એક નવી શરૂઆત કરવી જ છે તો નવી જ ચેનલ બનાવી લઉં. અને “meyotov” નામથી નવી ચેનલ ચાલુ કરી. હવે મોટો સવાલ એ હતો કે આ ચેનલમાં કન્ટેન્ટ શું મુકવું? અને જે પણ કન્ટેન્ટ રાખું એ ગુજરાતી રાખું, હિન્દી રાખું કે ઈંગ્લીશ? આ બધા વિચારોની સાથે સાથે મારી જ એક પોએમ રેકોર્ડ કરીને પોસ્ટ કરી દીધી. પણ આવવી જોઈએ એવી મજા આવી નહિ. એના બે રીઝન હતા. ૧)મારો ફેસ દેખાય નહિ અને એક જ ઈમેજ દેખાયા કરે એવા વિડીઓ શું મુકવાના! ૨)અમ્મ્મ…ભૂલી ગયો.

હા તો હવે સવાલ એ જ છે એક કરવું શું?
ગીતો ગાયીને મુકીશ તો લોકો જ મને બ્લોક કરી દેશે.
ગીટાર પ્લે કરીને રેકોર્ડ કરીને મૂકી શક્યો હોત પણ હજુ એટલું સારું ફાવતું પણ નથી.
રિવ્યુઝ પણ આપી શકું મુવીઝ વગેરે ના પણ એ કામ તો ઓલરેડી રોનક કરે જ છે, અને એ ઘણું સારું કામ કરી રહ્યો છે. તો હવે સારી ક્વોલીટીનો કન્ટેન્ટ માર્કેટમાં અવેલેબલ હોય તો ખરાબ ક્વોલીટી લઈને શું કરવા જવું!
બીજું એક બચ્યું ડેઈલી લાઈફ અપડેટ્સ, પણ એના માટે તો ડાયરી છે ને મારી!
પણ હા, હજુ ૨ વસ્તુઓ બચી.
૧)પોએટ્રી પઠન, અને
૨)કોઈ પણ ટોપિક લઈને તેના પર લવારો!

પોએટ્રી પઠનમાં ૨ વસ્તુ થઇ શકે.
૧)મારી લખેલી જ લખેલી પોએમ્સ રેકોર્ડ કરીને મૂકી શકું.
૨)ફેમસ પોએમ્સ વાંચીને સંભળાવી શકું.
અને રહી વાત અલગ અલગ ટોપિક્સ પરના લવારાની, તો એ માટે ટોપિક્સ શોધવા એ જ અઘરું કામ છે! જો કે કોઈ ચેલેન્જીસ આપે વિડીઓઝ બનાવવાનાં તો કદા…ચ શક્યતા રહે કે રેગ્યુલરલી પોસ્ટ કરી શકું.

બોલો હવે, શું કરવું?

કૌંસમાં:~
{[(
બાય ધ વે એ નવી ચેનલમાં મુકેલી પોએમ સાંભળવી હોય તો અહીં જ મૂકી છે! 🙂


)]}

4 વર્ષ!

ખબર પણ ન પડી અને ચાર વર્ષ થઇ ગયા.

છોકરું ચાર વર્ષનું થાય અને બોલતું-ચાલતું-રમતું-કૂદતું અને લખતું થઇ જાય…અને આ “Undefined હું” પણ સારું એવું બોલ્યું. અને તે એ બધું બોલ્યું જે મારે બોલવું હતું પણ બોલી ન શક્યો. અને ઘણું એવું પણ બોલ્યું કે જે હું બોલી શક્યો હોત, અને બોલ્યો પણ..પણ હું પહોંચી શક્યો હોત તેના કરતા પણ વધારે લોકો સુધી પહોચે તે રીતે બોલ્યું “Undefined હું”.

સૌથી સારી વાત તો એ હતી કે જો એ એકલું એકલું બોલ્યું હોત તો ગાંડું લાગ્યું હોત અને થોડા સમયમાં બોલવાનું એણે બંધ પણ કરી દીધું હોત, પણ તમારા બધાની લાઈક્સ, share અને કમેન્ટ્સના સહારે જ આજે ચાર વર્ષ પછી પણ આ બોલી રહ્યું છે… અને તમારા પ્રેમથી જ એ હમેશા બોલતું જ રહેશે…

ચાર વર્ષથી સાથ આપવા બદલ આપનો સૌનો દિલથી આભાર! 🙂

~વિરાજ

ફરી ‘ને ફરી

એ: “કેટલી વાર લખીશ આ?”
હું: “નથી ખબર….”
એ: “કોઈ મતલબ છે તો?”
હું: “નથી ખબર…”
એ: “તો સમય કેમ વેડફે છે?”
હું: “ડોન્ટ આસ્ક”
એ: “કેમ ન પૂછું?”
હું: “પૂછવાનું કોઈ કારણ?”
એ: “સમય!!!”
હું: “શું છે સમય?”
એ: “નથી ખબર…”
હું: “બસ એટલે જ લખીશ…અને લખતો જ રહીશ… આ ‘ને આ જ, ફરી ‘ને ફરી.”

-વિરાજ રાઓલ

“લવારા-એ-બસ” – બ્લોકીંગ ધ બ્લોક!

પાર્ટ-૧
માર્ચ તો કોરો ગયો, પણ ખાલી મારા બ્લોગ માટે જ! બાકી વરસાદ તો માર્ચમાં પડ્યો
અને કેરીઓ બગાડી જ છે.

પણ આજે એ બધી વાતો જવા દઈને ‘બસ’ કઈ બીજો જ લવારો કરવાનો છે.
‘બસ’ની વાતો. જે પહેલા પણ કરી તો છે જ મેં મારી બીજી પોસ્ટ્સમાં, પણ આજનો લવારો સ્પેશ્યલ એટલા માટે છે કેમ કે આ પોસ્ટ અત્યારે હાલ બસમાં બેઠા બેઠા જ લખાઈ રહી છે. સુભાષ બ્રીજ ઉતરતા, ગાંધીનગર બાજુ જતાં, જ્યારે પણ જમણી બાજુ ટોરેન્ટ્સની લાઈટ્સ દેખાય છે એટલી વખત ત્યાંજ જોઈ રહેવાની ઈચ્છા થાય, અને ક્યારેક કઈક લખવાની ઈચ્છા પણ થઇ જ જાય છે. પણ એક તો ‘બ્લોગર્સ બ્લોક’ બરાબરનો રસ્તો રોકીને મગજ ને તાળા મારીને બેઠો હતો અને ઉપરથી થાક પણ એવો લાગ્યો હોય કે લખવાની ઈચ્છા થાય નહિ. અને એ બધું તો સમજ્યા, પણ એમ.બી.એ.માં “બચ્ચા ફેકટ્સ લાઓ, કહાની મત સુનાઓ, જ્ઞાન નહિ ચાહિયે” સાંભળી સાંભળીને બધી ‘કહાની’ઓ વેકેશન પર ચાલી નીકળી અને મારો બ્લોગ બિચારો સુનો પડી ગયો.

હવે આ તો જૂની આદત છે મારી, કે લખતો કઇક હોઉં અને ક્યાંક બીજે જ મારી ગાડી નીકળી પડે. બસનું લખતા લખતા કોલેજ પહોંચી ગયો(નોટ લીટરલી). ઈચ્છા એવી હતી કે બસમાં લાઈટ્સના લીધે જે ઉભેલા લોકોના હાથ ની સરસ પેટર્ન પડે છે એના વિષે કઈક લખું, પણ લખવા માટે લેપટોપ ચાલુ કર્યું અને એજ વખતે બસની બધી લાઈટ્સ ઓફ થઇ ગઈ! “સલામત સવારી, એસ ટી અમારી” (અ બીગ એલ.ઓ.એલ)!
જેમ પહેલા પણ લખ્યું છે કે એન્જીનીઅરીંગમાં સૌથી વધારે એન્જોય મેં કોમ્યુટીંગ જ કર્યું છે, ફ્રેન્ડસ અને સોન્ગ્સ સાથે. અને અત્યારે ફ્રેન્ડસ તો કોઈ હોતા નથી સાથે, પણ સોન્ગ્સ ચોક્કસ સાથ આપે છે. જયારે આ લખવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે “ટ્રેઇન”નું “50 ways to say goodbye” સોંગ વાગતું હતું, અને અત્યારે સબવેમાં બેઠેલો James Blunt “યુ આર બ્યુટીફૂલ” ગાઈ રહ્યો છે. અને જ્યારે પણ આ સોંગ વાગે એટલી વાર મને મેં બહુ ટાઈમ પહેલા લખેલી “બસમાં મેં જોઈ’તી” પોએમ યાદ આવી જાય છે! એન્ડ અગેઇન, “બસ”!! ઘણા ટાઈમથી લખાયું નહોતું, અને લખવા બેસું તો પણ કઈ બીજું જ કરવા બેસી જાઉં છું, ત્યારે આજે આ બસમાં બેઠા બેઠા લખવાનું વિચાર્યું ત્યારે જ કઈ લખાયું. અત્યારે થોડુક અને બાકી ઘરે જઈને એમ જ આ પોસ્ટ તૈયાર થાય એવું છે, કેમ કે પોસ્ટ તો આમ પણ નેટ મળશે ત્યારે જ પબ્લીશ થશે. તો ‘બસ’ નો અત્યાર સુધી લખવા માટે સાથ રહ્યો એ માટે આભાર પણ માનવો જ રહ્યો.


પાર્ટ-૨
હવે પાર્ટ-૨ એટલે ઘરે આવીને લખેલું બધું!!
થયું એવું, કે મેં જ્યારે લખવાનું શરુ કર્યું ત્યારે બસની બધી લાઈટ્સ ઓફ થઇ હતી, તે બધી લાઈટ્સ જેવું મેં લેપટોપ બંધ કર્યું ને તરત જ ઓન થઇ ગઈ. અને મારી આજુ બાજુ વાળા મને બહુ જ અજીબ રીતે જોઈ રહ્યા હતા કે જાણે લાઈટ્સ ઓન-ઓફ થવા અને મારા લેપટોપ ચાલુ-બંધ કરવા વચ્ચે કઈક સંબંધ હોય! 😀

આમ તો આજે લખવાનું કારણ ફક્ત અને ફક્ત એક જ હતું કે કઈ પણ લખીને બ્લોગર્સ બ્લોકને લાત મારીને દુર કરવું! પણ હવે એ પણ કહેવું જ રહ્યું કે આ બ્લોક દુર કરવા માટે પણ ઘણા ફેકટર્સ હતા જે અસર કરી ગયા.
સૌથી પહેલું તો એજ કે મેં ઘણું સર્ચ કર્યું કે કઈ રીતે દુર કરવું આ બ્લોકને, અને ઘણી બધી પોસ્ટ્સ મળી કે જે અધુરી પૂરી વાંચી અને મૂકી દીધી, તેના વિષે કઈ પણ કર્યા વગર, સિવાય કે એક પોસ્ટ; જેમાં લખ્યું હતું કે કોઈ મ્યુઝીકલ ઇન્સ્ટ્રૂમેન્ટ શીખીને વગાડવાથી પણ ઘણી વાર રાઈટર્સ બ્લોક દુર થઇ જાય છે. હવે ગયા વર્ષે મેં ‘મે’ મહિના માં ગીતારના બેઝીક ક્લાસ જોઈન કર્યા હતા. પણ પ્રેક્ટીસ તો થઇ જ નહિ! કારણ કે ન તો મારી પાસે ગીતાર હતું, ન તો કોઈ બેસ્ટ ફ્રેન્ડ પાસે હતું કે જેના ઘરે જઈને વગાડી શકું! તો શનિવારે એક તો ગીતાર લઇ આવ્યો; અને એ ગીતાર બસમાં બેસીને કઈ રીતે પડતા-સંભાળતા લાવ્યો એની પણ એક અલગ જ સ્ટોરી છે! એ પછી ઘરે લાવીને (સલામત છે કે નહિ એ ચેક કરીને) વગાડવાનું સ્ટાર્ટ કર્યું અને એ વાતની ખુશી થઇ કે બેઝીક કલાસીસમાં શીખેલું હજુ પણ યાદ હતું! અને બીજી ખુશી એ વાતની પણ થઇ કે આ વર્ષમાં સાંભળેલા કેટલાક સોન્ગ્સ મેં ગીતાર પર વગાડવાનો પ્રયત્ન કર્યો અને ઘણા અંશે એમાં સફળતા પણ મળી. જો કે હજુ ફક્ત લીડ જ ફાવે છે, કોર્ડ્સમાં હજુ લોચે લોચા જ છે!

તો એક ફેક્ટર તો આ થયું ર્બ્લોક દુર કરવાનું, અને બીજું, અને કદાચ મેઈન રીઝન એ કે ૪-૫ દિવસ પહેલા જયારે એમ જ મારું નામ ગૂગલ કરવાની ઈચ્છા થતા સર્ચ કર્યું અને વેબગુર્જરીની એક પોસ્ટ મળી કે જેમાં મારું નામ લખેલું હતું. લીન્ક ઓપન કરીને જ્યારે વાંચવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે ખબર પડી કે આ તો મૌલિકામેમની “બ્લોગ ભ્રમણની વાટે” સીરીઝ નો એક પાર્ટ હતો કે જેમાં મારા બ્લોગ વિષે લખેલું હતું! એ પણ ૨૦૧૪ ના ફેબ્રુઆરીમાં! જે મેં છેક ૨૦૧૫નિ એપ્રિલમાં વાંચ્યું!! અને એ વાંચીને મને ઘણી નવાઈ લાગી. નવાઈ એ વાતની કે બ્લોગમાં આટ-આટલું લખેલું છે મેં! અને એ વાત તો કહેવી જ રહી કે મારા બ્લોગનું આટલું જોરદાર ડીસ્ક્રીપ્શન કરવું જ કેટલું અઘરું પડ્યું હશે, અને એમાં પણ મારા લવારામાંથી, કે જેમાં મેં ખરેખર ફૂલ-ઓન લવારો જ કર્યો હોય,એમાંથી પણ કોઈ મિનીંગ નીકળી શકે એવું તો મેં સપને પણ નહોતું વિચાર્યુ.
પણ તેમ છતાં, એ વાંચ્યું અને એક ધ્રુજારી પસાર થઇ શરીરમાંથી. અને એ ધ્રુજારી એટલું જ કહેતી હતી કે “કઈક તો લખ હવે, હદ્દ થઇ!! ઇટ્’સ નોટ ધેટ બેડ વ્હોટ યુ રાઈટ!”

અને છેલ્લું ફેક્ટર ઈઝ અ પર્સન! વરુણ પંડ્યા”
આ નામ ગુજરાતીઓમાં તો જાણીતું થતા બહુ ઝાઝો સમય નહિ લાગે એવું મને અત્યારે લાગી રહ્યું છે, અને એનું કારણ છે એમની સાથે થયેલી વાતો કે જે ઘણું એવું ઈન્સ્પાયર કરી ગઈ! અત્યારે મારે એક કમ્પનીમાં ઇન્ટર્નશીપ ચાલે છે, ત્યાં જ વરુણભાઈને મળવાનું થયું. દેખાવમાં એકદમ સીધા, સ્વભાવથી એકદમ શાંત એવા વરુણભાઈ પાસે જેટલું નોલેજ છે તે તેમની સાથે વાત કરી ત્યારે જ જણાયું. ઘણા વર્ષથી જે જોબ કરે છે તેની સાથે પોતાના શોખના વિષયમાં કરિયર બનાવવા મહેનત કરતા અને ‘અલ્મોસ્ટ રેડી ટુ ડુ અ બ્લાસ્ટ’ એવા વરુણભાઈના શબ્દોમાં મેજિક શનિવારે તેમની સાથે વાત કરી ત્યારે દેખાઈ જ રહ્યું હતું! અને એ ફેક્ટર પણ બાકીના ફેકટર્સ જેટલું જ ઈન્સ્પાયર કરી ગયું પોસ્ટ લખવા માટે! ઇન્ક્લુડીંગ આજની બસની સફર!

તો બસ, આજ માટે આટલું જ, બાકીનો લવારો ફરી ક્યારેક.

અને હવે જો બ્લોગર્સ બ્લોક આવ્યો તો ફરીથી, ત્યારે આ બધા ફેકટર્સ યાદ કરી લઈશ! પણ તમને છોડીશ તો નહિ જ!! 😀
બસ તો, વાંચતા રહો, લખતા રહો, તમને ગમે, તે રીતે લાઈફ એન્જોય કરતા રહો!!
સી યુ સુન! 🙂

કૌંસમાં:~
{[(

કુંડળીના પહેલા પેજ પર “સ્પોઈલર એલર્ટ તો લખવું જ જોઈએ ને!?
)]}

‘લોંગ ટાઈમ, નો સિંહ’….(સપના, વિચારો, લવારો, ઇન્ટરસ્ટેલર)

ક્યારેય વિચાર્યું નહોતું કે મારે શોધવું પડશે કે ‘નવું ઉમેરો’નું બટન ક્યા હોય.
ઈટ ફેલ્ટ અ લીટલ બેડ. મારા વ્હાલા એવા બ્લોગને હું જ ભૂલી ગયો. 😦
એ બધું હવે જવા દઈને લખવાનું ચાલુ કરું, અને સૌથી પહેલા તો ટાઈટલમાં લખેલા ‘સિંહ’ નું લોજીક સમજાવું. એ લોજીક કઈ એટલું ખાસ છે નહિ, જસ્ટ ‘સી’ ની જગ્યાએ ‘સિંહ’ લખ્યું છે કેમ કે, ‘સિંહ’ એ શબ્દ છે જેનાથી સ્કુલમાં મને ૧૧, ૧૨ ધોરણમાં મારા કેટલાક ક્લાસમેટ્સ બોલાવતા હતા.

હવે વાત, હું કેમ ન આવ્યો આટલા ટાઈમ સુધી,એની કરવા જેવી છે નહિ, તો એ બધું જવા દઈને વાત કરું કેટલાક વિચારોની. જે આટલા ટાઈમ સુધી મગજમાં આવતા રહેતા હતા. આટલા ટાઈમ સુધી મતલબ જસ્ટ આ 6 મહિનાઓમાં નહિ, પણ ઘણા વર્ષોથી. કદાચ સ્કુલમાં હતો ત્યારથી. વાત ફરી સપનાઓની. અને કેટલાક વિચારો જે સપનાના રીલેટેડ આવ્યા હતા. અને આ વિચારોને અહી લખવા માટે આ બે રીઝનનો ધક્કો મળ્યો.
૧) ઈન્ટરસ્ટેલર
૨) જે.વી. નું ઇન્ટરસ્ટેલર વાળું શતદલ વાળું આર્ટીકલ.

ગઈ કાલે કઝીન સાથે મુવી જોવા ગયો, ઇન્ટરસ્ટેલર. આમ તો નેટ પર ઘણા એવા આર્ટીકલ્સના ટાઈટલ વાંચ્યા હતા કે આ મુવી જોવા જતા પહેલા તમારે આટલી થીઅરીઝ જાણવી જરૂરી છે, ફીઝીક્સના આટલા કન્સેપ્ટ્સ જાણવા જરૂરી છે, વગેરે વગેરે. અને મેં પણ વિચાર્યું કે મુવી જોવા જઈશ એની ૧૫ મીનીટ્સ પહેલા એ બધું વાંચીશ અને પછી જોવા જઈશ. પણ એક્ઝામ આગળના દિવસે જ ખતમ થઇ હતી અને વાંચવાનો એવો કઈ મૂડ હતો નહિ. તો એમનેમ જ મુવી જોઈ આવ્યો. અને તેમ છતાં પણ ટપ્પો પડ્યો! એનું રીઝન, આગળ જોયેલા ઘણા બધા સાય-ફાય મુવીઝ. અને ઘણા બધા મુવીઝમાં યુઝ થયેલા ઘણા બધા કન્સેપ્ટ્સની કલેરીટી.

ઇન્ટરસ્ટેલરમાં વાત થઇ હતી સીન્ગ્યુલારીટીની, ટાઈમ-ટ્રાવેલ-ટાઈમ-લેપ્સની, સ્પેસ ટ્રાવેલની, રીલેટીવીટી ઓફ ટાઈમની. અને એ બધી વાત પરથી આજે શતદલમાં જે.વી.એ વાત કરી “પેરેલલ યુનિવર્સીસની. એક સાથે ચાલતા અલગ અલગ ટાઈમલાઈન વાળા યુનિવર્સિસ. જેમાં ડોકિયું કરી શકાય. જેનાથી સોર્સ અને ડેસ્ટીનેશનની જાણ થાય, આપણી જ લાઈફના વહેણની.” અને આ બધી વાતો ફરી પાછી ખેંચી ગઈ મને મારા ફેવરીટ ટોપિક પર. એ ટોપિક પર કે જેના વિષે મને વિચારવું સૌથી વધારે ગમે છે. “સપનાઓ”.

સપનાઓ પર મેં પહેલા પણ એક પોસ્ટ લખી હતી. પણ આ પોસ્ટ થોડીક અલગ છે. એ સપનાઓની વાત પર પહોચીએ એ પહેલા એક બીજી વાત, એક બીજા વિચારને લઈને કે જેની પર મેં ઘણું મંથન કર્યું છે. ઘણી વાર કોઈ પણ રેન્ડમ થોટ મને એ કન્સેપ્ટ પર લઇ જાય છે. એ લોજીક વગરના જણાતા એક વિચાર પર. એક ઈમેજીનેશન પર. એ વિચાર કઈક એવો છે કે,

તમે જે લાઈફ જીવો છો, એ તમારા માટે બસ એક સિમ્પલ લાઈફ જ છે. જેમ બધા છે તેમ તમે છો. બધાના સુખની જેમ તમારા સુખ છે. બધાના દુઃખ ની જેમ તમારા પણ દુઃખ છે. થોડા વધારે છે તો થોડાક ઓછા છે. પણ હવે ટ્વીસ્ટ એવો છે કે તમારી લાઈફના સીક્રેટ્સ તમારા સિવાય પણ કોઈક જોઈ શકે છે. તમારી લાઈફમાં શું થયું છે એ બધું એ જોનારને ફ્લેશબેક ની જેમ દેખાય છે, જયારે જયારે પણ તમે તમારી યાદોને વાગોળો છો ત્યારે ત્યારે. અને જે પણ ફ્યુચરમાં થવાનું છે એ “યેટ ટુ કમ” તરીકે જોઈ શકે છે.

હવે કોણ જુએ છે અને કઈ રીતે જુએ છે એની વાત.
એક ગ્રહ છે. અને ત્યાં એક એલિયન છે, એક નહિ, ઘણા છે, જેમાંથી એક ફક્ત અને ફક્ત બસ તમારી લાઈફ જુએ છે, એક સીરીયલની જેમ. ત્યાં રહેતા દરેકે દરેક જીવનું  બસ આ એક જ કામ છે. બધાને અલગ અલગ કેરેક્ટર્સ(આપણામાંથી જ બધા) મળેલા છે. જેના થકી તેઓ તેમને મળેલા એ કેરેક્ટર ની લાઈફ જોઈ શકે છે, એ લાઈફ ખતમ થતા જ બીજી સીરીયલ ચાલુ થાય છે. એક નવા કેરેક્ટરની. અને હવે એ તેને જોયા કરશે. વાત બસ જોવાથી નથી ખતમ થતી. એ લોકોની જોબ છે આ. એ લોકોને પણ બ્રેક મળે છે. અને એ બ્રેકમાં એ લોકો આરામ નથી કરતા. એ લોકો એ લાઈફ ને એનલાઈઝ કરે છે. અને તેના પરથી વિચારોને જનરેટ કરે છે. અને એ વિચારો ને જનરેટ કરીને એના સિગ્નલ્સને યુનિવર્સમાં છુટા મૂકી દે છે. વહેતા કરી મુકે છે. અને એ વિચારો ફરતા ફરતા ક્યારેક આપણા ત્યાં આવી જાય છે. જયારે પણ ફ્રિકવન્સી મેચ થાય છે ત્યારે એ વિચારો કોઈના મગજમાં એન્ટ્રી લે છે. અને એ વિચારો ને ફોલો કરીને એ રીતે વર્તે છે. અને એ રીતે પેલા ક્રિચર્સ, કે જેમણે આ વિચારો જનરેટ કર્યા હતા, તેઓ ખુશ થાય છે. જે વિચારો તેમણે જનરેટ કર્યા હોય, એ વિચારો જો તેમના પોતાના જ કેરેક્ટર(કે જેમની લાઈફ તેમણે એનલાઈઝ કરવાની હોય છે)ને  મળે, તો એ પ્રમાણે તેમના પોઈન્ટ્સ વધે છે. અને તેઓનું પ્રમોશન થાય છે. પ્રમોશન થાય તેમ તેમ તેઓને વધારે વિચારશીલ કેરેક્ટર્સ મળતા જાય છે, જીનીયસીસ મળતા જાય છે, એનલાઈઝ કરવા માટે! અને બસ આમને આમ ચાલ્યા જ કરે. અને એ લોકોને નોટીસ કરે છે એક બીજા ગ્રહ ના કઈક બીજા જ વાસીઓ. અને બસ આ જ બધું ચાલ્યા કરે છે.

તો હવે આ જ વિચારને સાંકળતો એક વિચાર ‘મુવી અને આર્ટીકલ’ પરથી આવ્યો, કે જે સપનાઓ સાથે રીલેટ થયેલો હતો. જે રીતે મારા ઈમેજીનેશન વાળો એલિયન મને જુએ છે, એજ રીતે ખરેખર આપણે જે સપનાઓ જોઈએ છીએ, એ કોઈ રેન્ડમ વિચાર નથી. કોઈ ઈમેજીનેશન નથી. એ સપનું ખરેખર એક ઝાંખી છે મારા જ જીવનની. મારા એ જીવનની જે હું જીવી રહ્યો છું કોઈ બીજી જ ટાઈમલાઈન માં. અથવા તો જે હું જીવી રહ્યો છું કોઈ બીજા જ યુનિવર્સમાં. એવા યુનિવર્સમાં કે જ્યાં કદાચ મારી પાસે ઉડવાની શક્તિઓ છે. અને એ ઉડતા વિરાજ સાથે ટેલીપથિક કનેક્શન ત્યારે જોડાય છે જયારે મારું મગજ શાંત હોય છે. જયારે એ રોજ-બરોજની વાતો વિષે નથી વિચારતું. જયારે એ સ્ટ્રોંગ બને છે. જયારે એ આરામ કરવાના બહાને કનેક્શન્સ કરવામાં બીઝી થઇ જાય છે. બીજા ‘સ્વ’ સાથે. અને એ કનેક્શન જયારે પેલા ઉડતા ‘સ્વ’ સાથે થાય છે ત્યારે એ ‘સ્વ’ ના વિચારો સાથે સીન્ક્રોનાઈઝ થઇ જઈને તેને ફિલ કરી શકું છું. અને એ મેમરી મારી પાસે રહી જાય છે, જે મારા કરન્ટ ‘સ્વ’ની નહિ પણ બીજા યુનિવર્સના ‘સ્વ’ની છે.

મને કોઈક મંદિર દેખાતું હતું સપનામાં જે મેં સપનું આવ્યા ના ઘણા વર્ષો પછી જોયું. હોઈ શકે કે એ સપનું ખરેખર મારા એ ‘સ્વ’ સાથેના કનેક્શનથી આવેલી મેમરી હતી કે જે બીજી ટાઈમલાઈનમાં છે. એ ટાઈમલાઈન, જે સમયમાં મારા અત્યારની ટાઈમલાઈન કરતા કેટલાક વર્ષ આગળ ચાલે છે. હું મારા બધા જ ‘સ્વ’ સાથે કનેક્ટ થઇ શકું છું, બધી જ ટાઈમલાઈન, બધા જ યુનિવર્સના મારા ‘સ્વ’ સાથે.

હોઈ શકે કે લોકોને જ્યારે પૂર્વ-જન્મના સપના આવે છે અથવા તો પૂર્વ-જન્મના કીસ્સા યાદ રહી જતા હોય છે, જે ઘણી વાર સાચા પડતા હોય છે, તે ખરેખર રોંગ નંબર લાગી ગયાના કારણે થયા હોય. કોઈ બીજાના જીવન સાથે થઇ ગયેલું કનેક્શન કે જે કોઈ બીજી ટાઈમલાઈનમાં અત્યારે ચાલી રહ્યું છે. કે જે મેચ થાય છે આ જ ટાઈમલાઈન સાથે, પણ ફક્ત થોડું lag થઈને ચાલે છે, જે થોડું પાછળ રહી ગયું છે. અને જેના કારણે લોકોને ભાસ થાય છે કે એ એનું પોતાનું જ જીવન છે. કેમ કે એની મેમરી રહી ગઈ છે, જે કનેક્શન થી સ્ટોર થઇ છે, કહેવાતા ‘સપનાઓ’ના કારણે!

હોઈ શકે કે જે જીનીયસ ભેજાઓ સાય-ફાય મુવીઝ બનાવે છે, “૨૦૦૧: અ સ્પેસ ઓડીસી”, “ઇન્ટરસ્ટેલર”, “અવતાર” કે “ઇન્સેપ્શન” જેવા. તેઓ ખરેખર સફળ રહ્યા હોય છે આવા જ કનેક્શનની મેમરી ને યાદ રાખીને તેના પર કામ કરવામાં. એ કનેક્શન કે જે તેઓએ તેમના પોતાની કે બીજાની સાથે કનેક્ટ થઇને તે વિચારોને ઇન્સ્ટોલ કર્યા હોય છે પોતાની મેમરીમાં. તેમની પાસે કોઈ ઇક્વેશન્સ નથી હોતા. તે ફક્ત સાય-ફાય નોવેલ કે મુવી બનીને રહી જાય છે. અને વર્ષો પછી એ જ બધું હકીકત બનીને આપણી આંખોની સામે આવે છે. કારણ કે એ વિચારો આવ્યા છે એક હકીકતના પેરેલલ યુનિવર્સ અથવા પેરેલલ ટાઈમલાઈન માંથી, ફક્ત એક વિઝ્યુઅલ તરીકે. તેની પાછળ નું બસ એક બ્લરી લોજીક જ દેખાય છે.

લિઓનાર્ડો-દ-વિન્ચી નું કનેક્શન પણ થયું હશે આવા જ પોતાના ‘સ્વ’ સાથે, અને એ બધા જ ચિત્રો એ વિચારોને લઈને તેણે ઉતાર્યા હશે, જે ભવિષ્યમાં(એટલે કે અત્યારના વર્તમાનમાં) આપણે પ્રેક્ટીકલી જોઈ શકીએ છીએ. આપણા મહાન ગ્રંથો પણ લખાયા હોઈ શકે આવા જ કેટલાક કનેક્શન્સને બેઝ લઈને!
હોઈ શકે ને આવું પણ?
આ તો બસ એક ઈમેજીનેશન છે.
અથવા તો નથી.
કદાચ એટલે જ કહેતા હોય છે ને કે, “પહેલા ‘સ્વ’ને ઓળખો, ‘સ્વ’માં ઝાંખો.”

કદાચ મારી લાઈફને જોતા પેલા એલિયનનો પણ આ વિચાર હોઈ શકે છે, કે જે મેં ઝીલી લીધો છે અને અહિયાં આજે અચાનક જ આ બ્લોગ પર ઉતારી દીધો છે.

“થેંક યુ મારા એલિયન-મેન્ટર, આવી મસ્ત મજાની વિચારોની ચેઈનમાં મને સાંકળવા માટે!! થેંક યુ વેરી મચ!!!”

– વિરાજ’સિંહ’ રાઓલ. 😀

કૌંસમાં :~
{[(

એકદમ જ યાદ આવ્યું કે આવી રીતે હું કૌંસમાં લખતો હતો કઈક!! 😛
આજે બસ એટલું જ, કે ઇન્ટરસ્ટેલર ઈઝ અ મસ્ટ ફોર ઓલ ધ ‘ક્રેઝી ફોર સાયન્સ અને સાય-ફાય’ પીપલ.
અને જો તમે બીજા સાય-ફાય મુવીઝ ન જોયા હોય, નોવેલ્સ ન વાંચી હોય કે પછી થીઅરીઝ થી અજાણ હોવ તો પણ આ સાઈટ પર થોડુક વાંચીને જશો તો ચોક્કસ મુવી તમને ‘જુદી જ દુનિયામાં’ અને ‘તારાઓની વચ્ચે'(Interstellar) લઇ જશે અને મજા કરાવશે!! 😀

Enjoy! 🙂

)]}

દરવાજા…

તો થયું એવું,
કે જે દરવાજા બંધ થતા હતા,
એક પછી એક,
જોર થી,
અવાજ સાથે,
એ ધ્યાન બધું જ ખેંચી લેતા હતા.

અને જ્યાં સરસ,
ઓઈલીંગ કરેલા,
સ્મુધલી ઓપન થતા દરવાજા,
ક્યાંક ખુલતા તો હતા,
જરાય અવાજ કર્યા વગર,
ત્યાં ધ્યાન જ ન ગયું!

-વિરાજ