પળ

એક ગીત શું કરી શકે? એક કાગળ પર ઘસેલી કલમ, કૅન્વસ પર પાડેલા રંગો, તબલા પર મારેલી થાપટો, ધરતી પર તાલબદ્ધ લીધેલા કદમોની તાકત કેટલી?

થોડા મહિનાઓ પહેલા હું શફલ પર ગીતો સાંભળી રહ્યો હતો. એક નવું ગીત વાગ્યું. “Places we won’t walk – Bruno Major”. બહુ જ સુંદર ગીત.

“Children cry and laugh and play
Slowly hair will turn to gray
We will smile to end each day
In places we won’t walk”

સૉન્ગ સાંભળીને એવું લાગ્યું કે આ માણસ કદાચ આ મોમેન્ટમાં લૉક થઇ ગયો હશે. જાણે આ એનું છેલ્લું ગીત હશે. પણ સૉન્ગ્સ શફલ પર હતા. બીજું ગીત વાગ્યું. એ જ સિંગર નું. “Nothing – Bruno Major”. એકદમ અલગ મૂડ. એકદમ જુદી વાઇબ. સુંદર ગીત. અલગ ઈમોશન. અને થોડી વાર માટે મને થયું કે આ એ જ માણસ કઈ રીતે હોઈ શકે? હજુ હમણાં તો એ હોપલેસ હતો. હવે એ ગળાડૂબ પ્રેમમાં છે.

થોડી વારમાં કંઈક સમજાયું. એ સૉન્ગ રાઇટરે જે કાંઈ પણ લખ્યું, એ એની એ પળની હકીકત હતી. અને બીજી પળમાં એની લાઈફ ચેન્જ પણ થઇ. અને એણે એ બંને ગીતો લખ્યા, બસ એટલું જ કહેવા માટે કે દેખાતો અંત જરૂરી નથી કે અંત જ હોય. એણે એ ગીતો લખ્યા એ લોકો માટે કે જેઓ જે તે મોમેન્ટમાં લૉસ્ટ ફીલ કરી રહ્યા છે. અને એ લૉસ્ટ વાળી મોમેન્ટમાં તેમને એ ગીત કાંઇક હૂંફ આપશે. કોઈ અહીં છે. અથવા તો હતું. અને એ માણસ હવે અહીં નથી. મતલબ કે અહીંથી નીકળવાનો રસ્તો પણ હશે. કદાચ સમય લાગશે. પણ રસ્તો મળશે.

આ વિચારો જયારે હું લખવા બેઠો, ત્યારે આ ફકરો ન’તો લખાયો. એ વખતે નીચે લખેલી આ કવિતા જેવું કંઈક લખાયું હતું, જે ઘણા સમયથી બસ ડ્રાફ્ટમાં પડી રહ્યું હતું. થયું આજે શૅર કરી જ દઉં. ક્યાંક કોઈકને કોઈ રસ્તો મળી જાય! 😉

વહી જતી આ સૌ પળમાંથી મેં બસ આ એક પળ પકડી,
કહી જતી જે આ પળની સૌ હકીકતો, એ તક ઝડપી.

એ કહેવા કે અહીં હતો હું, અને હવે હું નથી અહીં.
એ કહેવા કે તું જ્યાં છે ત્યાં કાલે તું પણ રહે નહીં.

કેવી સુંદર ઘટના છે, કે ગીત, સંગીત, ને કળા બધી
એક જ પળની રચના છે, ને તોયે રહેશે સદી-સદી,

જે પણ મનની મુસાફરીમાં શોધતું આવશે જો છાંયો,
એક પળની આ રચનામાં તે જોશે ખુદનો પડછાયો.

પડછાયો જોઈ એ જયારે નવી દિશાએ જાશે જ્યાં,
અનુભવોથી એના એ પણ છાંયો રચતો જાશે ત્યાં.

સૌના દીપે દીપ પ્રજ્વલિત થાતાં જાશે સૌ પંથે,
દિશાહીનો વિહોણી દુનિયાની આશા મળશે અંતે.

-વિરાજ

ખાલીપો

વાતોના થ્યા સાત સમંદર,
અંદર અઢળક ખાલીપો.
મોજા થઇ છલકાયા પાણી,
વાણી અઢળક ખાલીપો.

તટ-કિનારે, દરિયા વચ્ચે,
ધસમસ અઢળક ખાલીપો
ભારે ભરતી, ખાલી ઓટે,
ઘેઘૂર અઢળક ખાલીપો.

બાષ્પ ઉઠી, વાદળ બંધાયા,
વરાળ અઢળક ખાલીપો.
વન-વગડે ‘ને ગામે વરસ્યો,
વહ્યો અઢળક ખાલીપો.

મન ભીંજાયા, તન પલળ્યા,
કોરો અઢળક ખાલીપો.
તારી અંદર, મારી અંદર,
રગ-રગ અઢળક ખાલીપો.

ખાલીપાને કાપ્યો, ચીર્યો,
લોહી અઢળક ખાલીપો.
શાનું સર્જન? શું વિસર્જન?
ઈશ્વર અઢળક ખાલીપો.

– વિરાજ, પ્રણવ પુજારા, ખાલીપો

પૈસો

જીવનમાં પૈસો જ બધું નથી, હેં નેં?
ભૂખ છે, તરસ છે, દુઃખ દર્દ પણ સરસ છે!

કેમ ભાગો છો પૈસા પાછળ?
ભરી કાઢોને કોરા કાગળ!
નિતનવા જે શબ્દો મળશે, પેટ તમારું સીધું ભરશે,
ટૂંટિયું વાળી સુવા માટે ખાલી ખિસ્સા જગ્યા દેશે, હેં નેં?

છે શું પૈસો? હાથ નો મૅલ!!
છોડો મોટા બંગલા-મ્હેલો, પકડી મોતનો હાથ, ટહેલો,
રખડી જોશો, રઝળી પડશો, જીવન-રસ્તો બનશે સ્હેલો, નહીં?

છે શું પૈસો? હાથ નો મૅલ, નહીં?
જીવનમાં પૈસો જ બધું નથી, નહીં?

– વિરાજ

“ઓળખાણ પડી?”

ક્યારેક મન થાય કે અરીસા સામે જાઉં અને સામે ઉભેલી વ્યક્તિને પૂછી લઉં..
“ચહેરો બદલાયેલો લાગતો હશે. આંખો થોડી થાકેલી લાગતી હશે. ચામડી ફિક્કી દેખાતી હશે. સ્મિત જુદું, થોડું રહસ્યમય લાગતું હશે. પણ..ઓળખાણ તો પડી ને?”

મન થાય કે સાફ સાફ કહી જ દઉં અરીસામાં દેખાતી એ છબીને કે, “આ હું જ છું. મળવા નથી અવાતું, હું જાણું છું. માફ કરી દે. પણ આ તારી સામે જે છે એ તું જ છે. ઓળખાણ પડી?”

પણ પછી હસવું આવે છે ખુદ પર જ કે, અરીસાની સામે જઈને ખોટું શું બોલવાનું? એ ઓળખે જ છે ને મને!
.
.
હું ઓળખું છું ને મને?
ઓળખાણ પડી?
-વિરાજ

રેખાઓ

ખેંચને તું રેખાઓ બધી ડાબે ‘ને જમણે,
લખને તું લખવું હોય એ બધુંય મારા લમણે,
ઈચ્છે ત્યારે માથે ચઢાય કે પાડ તારા શરણે,
બસ આંખ મિલાવજે જયારે મળવા આવું હું આથમણે.
-વિરાજ

Secret

એક સિક્રેટ કહું?
હું ખરેખર તું જ છું.
અને આ કોઈ કવિતા નથી.
એક દિવસ હું તારી સામે હોઈશ
અને તું મને અડીશ,
એ રીતે,
જેમ કોઈ અરીસાને અડે,
જયારે કોઈને “ખુદ” જડે.

ઘડિયાળ

એક દિવસ ડ્રાઇવ કરતી વખતે અચાનક એવું લાગ્યું કે મારી ઘડિયાળ ઢીલી થઇ ગઈ છે. હાથ તરફ જોયું તો ખબર પડી કે ઘડિયાળ ત્યાં હતી જ નહિ. તરત જ વિચાર્યું કે ઘડિયાળ શોધવા આખા રસ્તે જોવું પડશે. અને એવું વિચારતા વિચારતા પણ હું ઉભો ન રહ્યો. અને તરત જ યાદ આવ્યું કે ઘડિયાળ તો હું પહેરતો જ નથી!
આ વિચારીને પહેલા તો હસવું આવ્યું, પછી આખી ઘટના થૉટફૂલ લાગી; મેં વિચાર્યું કે ઘરે જઈને બ્લોગમાં એક પોસ્ટ મુકીશ. કંઈક ટાઈમ ને લાગતું મૅટાફોરિકલ કનેક્શન લગાવી દઈશ. પછી થયું ચાલશે. ટાઈમ જ ક્યાં છે!

એક મૅસેજ મને જ

આમ તો તું લખ્યા કરે છે. ડ્રાફ્ટ્સ સેવ કર્યા કરે છે. તો પણ મને થયું કહી દઉં. યાદ દેવડાવી દઉં કે આ જે જગ્યા છે ને એ પોસ્ટ કરવા માટે જ છે.

કોઈ જજ કરવાનું છે નહીં આમ તો, પણ કરે તોય શું? લખીને પોસ્ટ કર. પહેલાં ભૂલો વગર નથી લખ્યું એવું તો છે નહીં!

બ્લૉગમાં આખી એક કૅટેગરી છે લવારાઓથી ભરેલી! ટાઇટલ જ એવું આપ્યું છે. યુ યુઝ્ડ ટુ લવ રાઇટિંગ રૅન્ડમ થિંગ્ઝ!

લખીશ તો ભૂલો કરીશ. ભૂલો કરીશ તો શીખીશ. શીખીશ તો વધારે સારું લખી શકીશ. અને સારું લખવા માટે જ બ્લોગ સ્ટાર્ટ કર્યો એવું તો હતું નહીં!

બસ તો. લખ.

આવી જાઓ પાછા રૅગ્યુલર પોસ્ટ્સ સાથે!

(નહીં આવે તો પણ કાંઈ જવાનું નથી. પણ સમજ ને હવે!)

ચલ ને

ચલ ને, લખ ને.
મન ને ખોલ ને.
શબ્દ એ બોલ ને.
ચલ ને, લખ ને.

ઈચ્છાઓ તારી,
સપનાઓ તારા,
તુજને સંભળાવી
તરબોળ ને.

દુનિયા રચે તું,
એમાં તું રાચે,
કલ્પનાએ તારી
તને જોડ ને.

ચલ ને, લખ ને.
મન ને ખોલ ને.
શબ્દ એ બોલ ને.
ચલ ને, લખ ને.

સુખ ને દુઃખ ને
જ્ઞાનની ભૂખ ને
હવે તું ઝટ ને,
ચલ ને, વણ ને.

રાત ને, દિન ને,
તેજ અંધેર ને,
મેળવી, ભેળવી
રોક ને, ઘેર ને.

ચલ ને, લખ ને.
મન ને ખોલ ને.
શબ્દ એ બોલ ને.
ચલ ને, લખ ને.

તું જ તો હું જ છું,
રુજ છું, રૂઝ છું,
છું નહિ, ખૂબ ને,
છું શરૂ અંત ને.

આબ ને, આભ ને,
તું ફરી, ભાળ ને.
સુસ્તી ની જાળ ને
ખંત થી ટાળ ને!

ચલ ને, લખ ને.
મન ને ખોલ ને.
શબ્દ એ બોલ ને.
ચલ ને, લખ ને.

પ્રેમ ને જાણ ને,
પડ ને, સંભાળ ને,
ભૂલેલું સંભારી,
ઘટ ને, વધ ને.

બન ને, ભાંગ ને,
ખુદથીએ ભાગને,
જા મળી ત્યાગ ને,
ખુદ ને જાણ ને.

ચલ ને, લખ ને.
મન ને ખોલ ને.
શબ્દ એ બોલ ને.
ચલ ને, લખ ને.

– વિરાજ