अति Random મન…

6 વાગ્યા છે, અને સવાર સવારમાં ઉઠતાની સાથે જ મગજમાં પહેલો વિચાર બ્લોગનો આવ્યો.
આમ જોઈએ તો એવું કહેવું વેલીડ નહિ ગણાય, કારણ કે મને જ એ વાતની ખાતરી નથી એક હું ઊંઘ્યો પણ છું કે નહિ. અને જો ઊંઘ્યો પણ હોઉં તો વિચારો તો બંધ થયા ન જ હોય. પણ મને એટલું યાદ છે કે રાત્રે જયારે પલંગ પર પડ્યો ત્યારે હું જે વિચારોમાં અટવાયેલો હતો તે “વિચારો” વિષેના જ વિચારો હતા.

વિચારો વિષેના વિચાર સાથે મારે બહુ જુનો સંબંધ રહ્યો છે. પ્રાઈમરી સ્કુલ સુધી આમ પણ મિત્રો સાવ જ ઓછા હોવાથી વિચારોમાં વધારે ખોવાયેલો રહેતો. અને સૌથી વધારે વિચાર પણ જો કોઈ વાત નો આવતો તો એજ કે વિચારવાનું બંધ કરવું શક્ય હશે કે નહિ. મેં કદાચ મારા પપ્પાને આ પ્રશ્ન સૌથી વધારે વાર પૂછ્યો હશે, અલગ અલગ વર્ઝન્સ સાથે, અને જવાબ હતો ‘હા’. ત્યારે મને મેડીટેશન અને વિચારશૂન્યતા વિષે પ્રથમ વાર જાણ થઇ હતી. અને બસ, મને તો નવું રમકડું મળી ગયું હતું! આંખો બંધ કરીને બેસતો અને વિચારોને રોકવાનો ટ્રાય કરવ બેસી જતો. અને બીજા વિચારો બંધ થઇ પણ જાય તો પણ એક વિચાર તો રમતો જ રહી જાય કે, ‘મારું વિચારવું બંધ થયું હશે કે નહિ?’.

મને યાદ નથી હું વિચારશૂન્યતામાં કોઈ દિવસ સફળ થયો પણ હોઈશ કે નહિ, પણ અહી વાત વિચારશૂન્યતા કરતા વધારે રેન્ડમનેસની છે. જે રીતે વિચારોની હારમાળા રચાય અને પ્રથમ અને અંતિમ મણકાનો કોઈ મેળ જ ન ખાતો હોય એવું બને. આમ જોઈએ તો કયો મણકો પ્રથમ હશે અને કયો અંતિમ તે કહેવું પણ મુશ્કેલ છે. જે રીતે મેં શરૂઆતમાં જ લખ્યું કે હું ઊંઘ્યો ક્યારે, વિચારોના વિચાર કરવાનું મેં બંધ ક્યારે કર્યું, બંધ કર્યું પણ હશે કે નહિ, અને સપનાઓ જોતા જોતા ઉઠ્યો ક્યારે, એ સપનાઓ હતા કે ખાલી મારા વિચારો તેના વિચાર સાથે જ વિચારે ચઢ્યો અને અંતમાં આ લખવા કઈ રીતે બેસી ગયો, complete randomness!

ઘણી વાર જયારે ફ્રેન્ડસ સાથે પણ બેઠા હોઈએ, વાતો કરવાનું ચાલુ કરીએ. નક્કી કર્યું હોય કે આજે તો કોઈ સ્પેસિફિક ટોપિક પર ચર્ચા કરીશું, અને રેન્ડમનેસ ક્યાંથી ક્યાંય ખેંચીને લઇ જાય. અને હમણા જ ૨-૩ દિવસ પહેલા અમદાવાદથી ગાંધીનગર આવતા ૨-૩ કલાક ટ્રાફિકમાં ફસાઈ ગયો ત્યારે તો મારી જ નહિ પણ ઘણા લોકોની રેન્ડમનેસથી પરિચિત થયો. મોબાઈલ સ્માર્ત છે નહિ તો હું તેની સાથે સમય ખાસ વિતાવતો નથી, એટલે બસમાં પણ વિચારોમાં અને લોકોની વાતોમાં ખોવાતેલો રહ્યો હતો. અને તેમાં પણ બસ હોય અને ટ્રાફિક જામ હોય ત્યારે તો ભાલ-ભલા ફિલોસોફર બની જાય, એ પણ રેન્ડમ જોનરના. અને રેન્ડમનેસ સાથેનો મારો સંબંધ કેટલો મજબુત છે એ તો મારા બ્લોગ્સની પોસ્ટ જોઈએ તો પણ ખબર પડી જાય, બ્લોગ નાહીને ખાલી આ પોસ્ટ જ શરૂઆતથી લઈને અત્યાર સુધી વાંચીએ તો પણ ખ્યાલ આવી જાય. અને ‘જેની કોઈ ડેફીનીટ પેટર્ન ન હોય એ રેન્ડમ’ તો મારા બ્લોગની એક ડેફીનેશન જ થઇ ગઈ! હોઈ શકે બ્લોગનું નામ આપતી વખતે મને આ ટર્મ યાદ જ નહિ આવી હોય. નહિ તો “અનડીફાઈન્ડ હું” ની જગ્યાએ “રેન્ડમ હું” હોત…
હશે હવે…..
પછી વિચારીશ એ તો…. 😉